ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, ક્યાં પડશે વધારે વરસાદ?
સ્કાયમેટનું કહેવું છે કે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ચોમાસાના ચાર મહિનાના લાંબાગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 886 મિલિમિટર વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનાના લાંબાગાળામાં 868.6 મિલિમિટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય.

સ્કામેટના પૂર્વાનુમાનને જોઈએ તો દેશમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. અન્ય એજન્સીઓ અને ઘણા નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ભારતમાં આગામી ચોમાસું સારું રહેશે.
સ્કાયમેટે આપેલી માહિતી પ્રમાણે ભારતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થવાની આશા છે. ગુજરાત દેશના પશ્ચિમ વિસ્તારમાં આવે છે, જેથી રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ચોમાસા પર આધારિત વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચોમાસામાં જ્યારે સૌથી વધારે વરસાદ પડે છે તે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
ટકાવારી પ્રમાણે ચોમાસું કેવું રહેશે તે જોઈએ તો :
- 10% એવી સંભાવના છે કે સરેરાશ કરતાં ખૂબ વધારે વરસાદ થશે, 110%થી વધારે.
- 20% એવી સંભાવના છે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે, 105% થી 110%ની વચ્ચે.
- 45% એવી સંભાવના છે કે સામાન્ય એટલે કે સારો વરસાદ થશે, 96%થી 104%ની વચ્ચે.
- 15% એવી સંભાવના છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે. 90%થી 95%ની વચ્ચે.
- 10% એવી સંભાવના છે કે દેશમાં ખૂબ ઓછો વરસાદ થાય. 90%થી ઓછો.
ભારતમાં ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન સરેરાશ 96% વરસાદ થાય તો ચોમાસું સામાન્ય ગણાય છે. જો તેના કરતાં ઓછો વરસાદ થાય તો ચોમાસું નબળું ગણવામાં આવે છે. જોકે, આ દેશભરની સરેરાશ હોય છે એટલે વિવિધ વિસ્તારોમાં કે રાજ્યોમાં તે અલગ-અલગ હોઈ શકે છે.


કયા મહિનામાં વધારે વરસાદ થશે?
સ્કાયમેટ અનુસાર જૂન મહિનામાં કેરળ, કર્ણાટક અને કોકણ, ગોવામાં સરારેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે એટલે આ મહિનામાં સરેરાશ ઓછો વરસાદ પડતો હોય છે.
જુલાઈ મહિનામાં ગુજરાતમાં દર વર્ષે સૌથી વધારે વરસાદ થતો હોય છે. સ્કાયમેટ અનુસાર જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.
જ્યારે કેરળ, કર્ણાટક, કોકણ અને ગોવાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની આશા છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ત્યાંની સરેરાશ કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે.
ઑગસ્ટ મહિનામાં દક્ષિણ, પૂર્વ અને મધ્ય ભારતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. એટલે કે ગુજરાતમાં આ મહિનામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.
સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસું વિદાય લેતું હોય છે અને તેની શરૂઆત રાજસ્થાનથી થતી હોય છે. આ મહિનામાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. જ્યારે બીજા પ્રદેશોમાં સામાન્ય અથવા તેના કરતાં ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે.