ડાયાબિટીસ હોય તો કેરી ખાવી જોયે કે નહિ! ડૉક્ટર શું કહે છે ?

ઉનાળાની શરૂઆત થતાં જ આપણે કેરીની કાગડોળે રાહ જોઈએ છે. કેરી તેના મધમીઠા સ્વાદ માટે જાણીતી નથી, તેમાં પોષકતત્ત્વો પણ એટલાં જ હોય છે. કેરીનો મીઠો સ્વાદ એ જ કારણ બની જાય છે કે ઘણા લોકો તેને ખાઈ શક્તા નથી.

કેરીમાં કુદરતી સુગર હોવાથી તે માનવ શરીરમાં સુગરનું સ્તર વધારે છે.

તેથી ડાયાબિટીસ અને બ્લડ સુગરના દર્દીઓને ક્યારેક આ ફળ ખાવાનું ટાળવાનું કહેવામાં આવે છે.

કેરીથી ખરેખર ડાયાબિટીસ વધી જાય? ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓએ કેરી ખાવાનું ક્યારે ટાળવું જોઈએ અને ક્યારે તેનો સ્વાદ માણવો જોઈએ? આ સવાલોના જવાબ મેળવવા બીબીસી ગુજરાતીએ ડૉક્ટર્સ સાથે વાત કરી.

કેરીનું પોષક મૂલ્ય

કેરી એ ઘણા બધા મેક્રો અને માઇક્રો પોષકતત્ત્વોનો સ્રોત છે.

તેમાં, કાર્બોહાઇડ્રેટસ, પ્રોટીન, એમિનો એસિડ, લિપિડ્સ, તેમજ ફાઇબર હોય છે.

આ ઉપરાંત, કેરીમાંથી મળતાં સુક્ષ્મ પોષકતત્ત્વોમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, આયર્ન અને વિટામિન્સ A અને C છે.

100 ગ્રામ કેરીના સેવનથી 60-90 કિલો કૅલરી મળે છે. આ સિવાય કેરીમાં 75-85 ટકા પાણી છે.

100 ગ્રામ કેરીમાં નીચે મુજબનાં પોષકતત્ત્વો મળે છે :

  • કેલેરી – 60 કિલો કૅલરી (ઊર્જા)
  • કાર્બોહાઇડ્રટેસ્- 14.98 ગ્રામ
  • પાણી- 83 ગ્રામ
  • વિટામિન C- 36.4 મિલિગ્રામ
  • કૅલ્શિયમ- 11 મિલિગ્રામ
  • આયર્ન- 0.16 મિલિગ્રામ
  • સુગર – 13.66 ગ્રામ
  • ફાઇબર- 1.6 ગ્રામ

કેરીમાં કૉલસ્ટ્રોલ નથી.

શું કેરીથી બ્લડ સુગર વધે છે?

ડૉક્ટર મનોજ વિઠલાણી અમદાવાદમાં ડાયાબિટોલૉજિસ્ટ છે. તેમણે બીબીસીને જણાવ્યું, “ડાયાબિટીસ હોય તો કેરી ન ખાવી જોઈએ એવી એક સંપૂર્ણ ખોટી માન્યતા છે.”

તેઓ વધુમાં સમજાવે છે, “કેરીમાં જે સુગર હોય છે તે ફ્રુક્ટોઝ સ્વરૂપમાં હોય અને ફળમાંથી જે કુદરતી ફ્રુક્ટોઝ મળે છે તે શરીર માટે હાનિકારક નથી હોતું. એક માત્ર ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે કે તે મર્યાદિત માત્રામાં ખાવામાં આવે.”

આ ઉપરાંત, કેરીમાં ઍન્ટીઑક્સિડન્ટ ગુણો છે. કેરીમાં ફાઇબર અને પોટેશિયમ છે જેના થકી પાચન પ્રક્રિયામાં મદદ મળે છે. આ બંને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ફાઇબર લોહીમાં કેરીમાંથી શર્કરાના શોષાવાની ગતિ ધીમી પાડે છે.

તે શરીર માટે કાર્બોહાઇડ્રેટ્સના પ્રવાહને નિયંત્રિત કરવાનું અને બ્લડ સુગરના સ્તરને સ્થિર કરવાનું સરળ બનાવે છે.

કેરી ગળી હોવા છતાં, તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ માફકસર છે, જેથી જો કેરીને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે ફાયદાકારક છે.

નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ખોરાક સામાન્ય કરતા ધીમી ગતીથી પચાય છે અને શોષાય છે, પરિણામે લોહીમાં સુગરના સ્તરમાં અચાનક વધારો થવાને બદલે ધીમે-ધીમે વધારો થાય છે.

ગ્લાયસેમિક ઇન્ડેક્સ શું છે?

ગ્લાયસેમિક ઇન્ડેક્સ સુગર પર તેનાથી થતી અસરના આધારે ખોરાકને અંક આપે છે. તેનો માપદંડ 0 થી 100 છે. જ્યાં, 0 દર્શાવે છે કે ખોરાકની સુગર પર કોઈ અસર થતી નથી અને 100 અંક નો અર્થ છે કે તે ખોરાક સુગર ના સ્તરમાં વધારો કરે છે.

કોઈ પણ ખોરાક જેનો અંક 55 અથવા તેનાથી નીચે હોય, તે આહાર માટે સલામત છે, તે બ્લડ સુગરને વધારતું નથી.

કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 51 છે. તેથી તે ખાવા માટે સલામત છે અને તે સુગર મોટી માત્રામાં વધારતું નથી.

તેમ છતાં, તેનો અંક બૉર્ડરલાઇન પર છે, તેથી જેને સુગર અને ડાયાબિટીસની પહેલાથી તકલીફ હોય તેને કાળજી રાખવી જોઈએ.

આ ઇન્ડેક્સ પ્રમાણે, અનાનસ, તરબૂચ, બટાકા અને બ્રેડના અંક 70 ઉપર છે, મતલબ, તેને ખાવાથી સુગર તરત જ વધી શકે છે.

જો ડાયાબિટિસ હોય તો કેરી કેટલી માત્રામાં ખાવી યોગ્ય?

ભારતની વિવિધ કૉલેજનાં સંશોધકો દ્વારા એક રિસર્ચ પેપર ‘મૅંગો ઍન્ડ ડાયાબિટીસ‘ બહાર પાડવામાં આવ્યું છે. તેના અનુસાર, જેને ડાયાબિટીસ છે તેમણે કેરી ખાવાની બંધ ન કરવી જોઈએ. પરંતુ, તેમણે ડૉક્ટરના જણાવ્યા અનુસાર કેરીનું સેવન કરવું જોઈએ.

આ વિશે ડૉક્ટર મનોજ તથા અન્ય સંશોધનો સૂચવે છે કે જો કાળજીપૂર્વક કેરી ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ અને સુગર વધવાની શક્યતા નથી રહેતી. તેમના પ્રમાણે:

  • એક સમયે વધુ પડતી કેરી ખાવાનું ટાળવું જોઈએ. ઓછી માત્રામાં કેરી ખાવાથી તેનું જોખમ નથી રહેતું.
  • એક વ્યક્તિ દિવસ દીઠ 100-150 ગ્રામ કેરી ખાઈ શકે છે અથવા 50-50 ગ્રામ કેરી દિવસમાં ત્રણ અલગ-અલગ સમયે ખાઈ શકે છે.
  • ભોજન કર્યા બાદ વ્યક્તિના રક્તમાં સુગર વધારે હોય છે અને કેરી ખાવાથી સુગર વધુ વધી શકે છે. તેથી કેરી મુખ્ય આહાર સાથે નહી ખાવી. કેરીને ભોજનનાં સમયની વચ્ચે નાશ્તામાં ખાવી યોગ્ય છે.
  • આ રિસર્ચમાં વધુમાં જણાવ્યું છે કે, કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો કરવા માટે તેને બીજા ફાઇબરયુક્ત ખોરાક સાથે ખાવી જોઈએ. જેમકે સલાડ, કઠોળ અને અનાજ. શરીરમાં જેટલું ફાઇબર વધારે હોય તેટલી પાચનની પ્રક્રિયા ધીમી કરે છે. ધીમી પાચન પ્રક્રિયાથી તમને પેટ ભરાયેલું લાગશે અને તમે વધુ જમવાની ઇચ્છા નહીં થાય. આ ઉપરાંત ફાઇબર લોહીમાં સુગરના સ્તરને ઝડપથી નહીં વધારે.
  • કેરીને જ્યારે સમારીને ખાવામાં આવે, ત્યારે વ્યક્તિ એક કેરી ખાય છે, પરંતુ જ્યારે રસ બનાવીને પીવામાં આવે ત્યારે 2-3 કેરીનો ઉપયોગ કરે છે, તેથી તેમાં સુગર વધે છે. તેથી, આવાં ફળ કાપીને ખાવા જોઈએ, તેનો રસ કે જ્યુસ ન પીવો જોઈએ.
  • કેરીનેને નાના નાના ટુકડા કરીને ખાવાથી તમે ખૂબ જ ખાધું હોવાનો અનુભવ થાય છે, જયારે તમે પર્યાપ્ત માત્રામાં જ ખાધું હોય.

તેથી, ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા કેરી સંયમિત રીતે ખાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *