RCB vs CSK: ચિતા જેવી ઝડપ ‘ને બાજ જેવી ઊડાન, શું આ એક કેચે પલટી નાંખી CSKની બાજી?

RCB એ IPLની ‘કરો યા મરો મેચ’માં ચેન્નાઈ સુપરકિંગ્સને 27 રને હરાવી ચોથા નંબરે પહોંચી ગઈ છે.

RCBએ આ જીત સાથે પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. મેચ દરમિયાન ફાફ ડૂપ્લેસીનો એક શાનદાર કેચ જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત 6 મેચ જીતીને IPL પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. RCBએ IPLના ‘કરો યા મરો’ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સને 27 રનથી હરાવીને ચોથા નંબરે પહોંચી પ્લેઓફની ટિકિટ પોતાના નામે કરી લીધી છે. આ મેચ દરમિયાન એક શાનદાર કેચ પણ જોવા મળ્યો, જ્યારે  RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ હવામાં ઉછળી શાનદાર કેચ કર્યો હતો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

વાત જાણે એમ છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે 15મી ઓવર મોહમ્મદ સિરાજ ફેંકી રહ્યા હતા. તે દરમિયાન CSK તરફથી મિચેલ સેન્ટનર અને રવિન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યાં હતા. છેલ્લા બોલમાં સ્ટ્રાઇક મિચેલ સેન્ટનર પાસે હતી. તેઓ મોટો શોટ રમવાના ચક્કરમાં આઉટ થઈ ગયા હતા. મિડ ઓફ પર ફિલ્ડિંગ કરતા ફાફ ડુ પ્લેસીએ કોઈ પણ ગફલત વગર હવામાં ઉછળી મુશ્કેલ કેચ ઝડપી લીધો હતો. કેચને કારણે સેન્ટનર 4 બોલમાં 3 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

કેપ્ટન ફાફ ડૂપ્લેસીના નેતૃત્વમાં જોરદાર પ્રદર્શન કરતા RCBએ 5 વિકેટ પર 218 રન બનાવ્યા હતા. ડુપ્લેસીએ 39 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. તે દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 162નો રહ્યો હતો. પોતાની શાનદાર ઈનિંગમાં ફાફે 4 ચોકા અને 3 સિક્સર ફટકારી હતી. તેઓ 13મી ઓવરમાં મિચેલ સેન્ટનરના હાથે રન આઉટ થયા હતા. સેન્ટનરના હાથને લાગીને બોલ સ્ટંપ્સમાં લાગ્યો હતો. થર્ડ અમ્પાયરને લાગ્યું કે, ડુપ્લેસીનું બેટ ક્રિઝની બહાર હવામાં હતું એટલે આઉટ આપ્યો હતો.